પ્રસ્તાવના

ગીતાજી વિશે વિચારશું ?


પ્રસ્તાવના

શ્રીકૃષ્ણ ભગવાને ઉદબોધેલ શ્રીમદ્ ભગવદ્ ગીતાજી વિશે આ લેખમાળા મેં લખી નથી. હું લેખક નથી. વળી સામાન્ય વિષય હોય તો પણ કાંઇક લખી શકાય, પરંતુ ગીતાજી વિશે એકાદ લેખ લખવામાં પણ ખૂબ મુશ્કેલી પડે. એટલે લેખમાળા લખવાનું તો મારું ગજું નથી. એટલું જ નહીં પરંતુ હું કોઇ વિદ્વાન નથી, તેમ જ બીજાને ઉપદેશ આપી શકું એવું સંત કક્ષાનું મારું જીવન નથી, હું તદ્દન સામાન્ય માનવી છું, પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે મારા અનેક દોષ ભૂલીને પરમાત્મા મારા પર ગજબ કૃપા કરે છે. એમ કેમ બને છે તે સમજાવી નહીં શકું, પણ પરમાત્માની સવિશેષ કૃપા જીવનમાં સતત અનુભવું છું. કોઇક એવી જ પળે ગીતાજી વિશેની લેખમાળા લખવા પરમાત્માએ પ્રેરણા કરી અને મેં એ કામ શરુ કર્યું.

આને સ્ટેનોગ્રાફી કહી શકાય. પરમાત્માએ જે લખાવ્યું છે, તે મેં લખ્યું છે. આ બિલકુલ અતિશયોક્તિ નથી. એ શક્ય છે કે પરમાત્માએ જે લખાવ્યું તેમાં, ક્યાંક સાંભળવામાં મારી ભૂલ થઇ હોય, ક્યાંક લખવામાં મારી ભૂલ થઇ હોય, ક્યાંક સમજવામાં પણ મારી ભૂલ થઇ હોય. એટલે કોઇને ક્યાંક ભૂલ લાગે તો એ મારી ભૂલ છે, એવો ખુલ્લા દિલે એકરાર કરું છું. અને તે માટે સાચા દિલથી માફી માગું છું. મહા વિદ્વાન અને પરમ સંત શ્રી જ્ઞાનેશ્ર્વરે કહ્યું છે કે :- ``ગીતાજી એટલો બધો ગહન ગ્રંથ છે કે આ શ્ર્લોકનો અર્થ આમ થાય તેમ હું કહી શકું નહીં, પરંતુ આ શ્ર્લોકનો અર્થ હું આમ સમજ્યો છું, એમ કહી શકું.'' એક વિદ્વાન પરમ સંત, સરળ ભાવે આમ કહેતા હોય તો મારા જેવો સામાન્ય માનવી તો શું કહે?

એકવાર ગાંધીનગરમાં, એક કાર્યક્રમમાં ચિટ્ઠી ઉપાડીને તેમાં જે વિષય લખ્યો હોય તેના પર બોલવાનું હતું. મેં ચિટ્ઠી ઉપાડતાં, તેમાં લખ્યું હતું - ``મારું પ્રિય પુસ્તક''. સ્વાભાવિક રીતે હું ગીતાજી વિશે બોલ્યો. મેં કહ્યું કે `` ગીતાજી મને ખૂબ ગમે છે, બે ચાર વાર વાંચેલ છે, પણ હું સમજ્યો નથી.''

આ લેખમાળા લખ્યા પછી પણ લાગે છે કે હું ગીતાજી સમજ્યો નથી. હજી તો મારામાં રહેલા અનેક દોષો મારે દૂર કરવા જરુરી છે. ગીતાજી એ એકાદ વાર વાંચવા જેવું પુસ્તક નથી.એ વારંવાર વાંચતા રહેવું જરુરી છે. બધું ન સમજાય તો પણ જેટલું સમજાય તેટલું આચરણમાં મૂકવા કોશિષ કરવી એ બહુ મહત્વનું છે.

એક મહાત્માએ કહ્યું છે કે ''દરેકના જીવનમાં કાંઇક ને કાંઇક ખામી હોય જ છે. એને કારણે સંકોચ રાખવાને બદલે તે ખામી દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ. આપણે ખરેખર સારા થવું છે, એવા દ્રઢ સંકલ્પ સાથે સારા થવાની કોશિષ કરવી જોઇએ. પરમ પૂજ્ય રવિશંકરદાદાએ બહુ સરસ વાત કરી છે કે ``ઘસાઇને ઉજળા બનો.'' ત્રાંબાના કળશાને થોડા દિવસ રાખી મૂકો, આપણે જોઇ શકશું કે તે ખૂબ કાળો થઇ જાય છે.તેને ઘસશો તો તે ફરીથી ઉજળો થઇ જશે. આપણા જીવનનું પણ તેવું જ છે. સતત દુર્ગંધભર્યા વાતાવરણમાં રહેતાં, આપણું મન પણ દુર્ગંધભર્યું બની જાય છે. આજે તેને ચોક્ખું કરીએ, આવતી કાલે તે ફરીથી ગંદું થઇ જતાં વાસ આવશે. એટલે ગીતાજીનું સતત મનન અને ચિંતન કરવું જોઇએ.

ગીતાજીનું વાંચન અને તે પ્રમાણેનું આચરણ સતત કરવાથી જ મન સંપૂર્ણ નિર્મળ થશે.

સંત જ્ઞાનેશ્ર્વર, પૂજ્ય મહાત્મા ગાંધીજી, પૂજ્ય વિનોબાજી, પૂજ્ય રવિશંકરદાદા અને કેટલાયે ઉચ્ચ કોટિના મહાનુભાવોએ ગીતાજીના આચરણ દ્વારા પોતાનું જીવન અત્યંત ઉજ્વળ બનાવ્યું છે. આપણું જીવન ફક્ત આપણા માટે જ નથી, બીજા માટે તેને થોડુંક ઘસતા રહેશું તો એ આપણી કલ્પના કરતાં વધુ ઉજ્વળ બનશે.અને પરમાત્માની કૃપાનો અનુભવ આપણે કરી શકશું.

કોઇક પરમ સંતે પરમાત્માની કૃપા અનુભવીને જ લખ્યું હશે કે

``મૂકમ્ કરોતિ વાચાલમ્, પંગુમ્ લંઘયતે ગિરીમ્,

યત્ કપા તમ્ અહમ્ વંદે પરમાનંદ માધવમ્....''

મૂંગો માણસ બોલી ન શકે, અપંગ માણસ પર્વત ચડી ન શકે, તેમ છતાં જો એવું બને તો એ પરમાત્માની કૃપાથી જ શક્ય છે. સામાન્ય રીતે આવા અનુભવને આપણે ચમત્કાર તરીકે ઓળખીએ છીએ. આ લેખમાળા એક ચમત્કાર જ છે. ઉપરોક્ત શ્ર્લોક ઘણાએ સાંભળ્યો હશે, એની ચમત્કારિકતા જોવી હોય, એટલે કે આ શ્ર્લોકની યથાર્થતા અનુભવવી હોય તો, આ લેખમાળા વાંચવા નમ્ર વિનંતિ છે.

તા. ૩૧-૫-૨૦૦૦ના રોજ હું અને વીણા દાર્જીલીંગથી પાછાં ફરતાં હતાં ત્યારે અધવચ્ચે રેલ્વે એન્જીન પાટા પરથી ખડી પડતાં, અમારો કોચ એકદમ નમી ગયો પરંતુ પાટા પાસે અઢી- ત્રણ ફૂટની પાળીને આધારે ટેકવાઇ ગયો. જો કોચ જમીન પર પછડાયો હોત તો અમારું બંનેનું મૃત્યુ થઇ ગયું હોત. કેમકે અમે બંને બારી પાસે બેઠાં હતાં. તા. ૮-૬-૦૦ ના રોજ અમદાવાદ આવ્યાં.

તા. ૧૧-૬-૨૦૦૦ની સવારે, લગભગ આઠ વાગે મારી પલ્સ અચાનક બંધ થઇ ગઇ. પરમાત્માની કોઇ અકળ કૃળા રૂપે, મારા વેવાઇ શ્રી વિપીનભાઇ ઝાલા, જેઓ પોરબંદરના પ્રતિષ્ઠિત ડૉક્ટર છે, તેઓ મહેમાન તરીકે અમારા ઘરમાં હાજર હતા. મારા પુત્રને ત્યારે ટાઇફોઇડ તાવ આવવાથી તેના ખબર પૂછવા તેઓ પતિપત્ની બંને પોરબંદરથી ખાસ આવ્યાં હતાં. આટલે દૂરથી ન આવવા વિનંતિ કરવા છતાં, લાગણીને કારણે તેઓ આવ્યાં હતાં. મારા પુત્રને ઇન્જેક્શન આપવા, તેઓ આગલે દિવસે લઇ આવ્યા. ગમે તે કારણે તે ન આપ્યું. કાલે આપશું એમ વિચારી ફ્રીજમાં મૂકી રાખ્યું. બીજે દિવસે સવારે મારી પલ્સ બંધ થઇ જતાં, ઇમરજન્સીમાં તે ઇન્જેક્શન મને આપ્યું અને પલ્સ ચાલુ થઇ ગઇ. બપોરે કાર્ડીઓગ્રામ લેવા આવેલા અમદાવાદના એક પ્રતિષ્ઠિત ડૉક્ટરે કહ્યું ``બહારથી કોઇ ડૉક્ટરને બોલાવવાનો, કે ઇન્જેક્શન મગાવવાનો સમય ન હતો. તમારા ઘરમાં જ ડૉક્ટર અને ઇન્જેક્શન બંને હતાં એટલે જ તમે બચ્યા. તેને ચમત્કાર જ કહી શકાય.'' મને નવું જીવન આપવા બદલ ભાઇશ્રી વિપીનભાઇ ઝાલાનો હું આજીવન ઋણી છું.

ત્યાર પછી છ મહિના બાદ, ગમે તે કારણે ટુંકા ગાળામાં મને બે વાર પેરેલીસીસના એટેક આવ્યા. બંને વાર તાત્ત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો. પ્રભુકૃપાથી અત્યારે મને કોઇ જ તકલીફ નથી. મારા બંને હાથનાં આંગળાં બરાબર કામ આપે છે. થોડો સમય થાક ખૂબ લાગતો, પણ ધીમે ધીમે આ લેખમાળા લખી શકાઇ. જ્ઞાનનો અભાવ અને શારીરિક ક્ષમતાના અભાવવાળો માણસ ગીતાજી વિશે લેખમાળા લખે એ અશક્ય હતું, તેમ છતાં એ અઘરું કામ શક્ય બન્યું. તે પરમાત્માની કપાથી જ શક્ય બન્યું છે, એ નિર્વિવાદ છે.

જીવનમાં અનેક વાર પરમાત્માની અનન્ય કપા અનુભવી ચૂક્યો છું. આ પવિત્ર કામ માટે પરમાત્માએ મને નિમિત્ત બનાવ્યો, એ મારે માટે અત્યંત આનંદદાયક વાત છે. ધન કે યશ મેળવવા આ લખેલ નથી.

``મારી ભૂલોના ભૂલનારા'' પરમાત્માને એટલી જ પ્રાર્થના છે કે મને તમારી કૃપાને લાયક બનાવજો. મારું મન ખૂબ પવિત્ર કરી દ્યો. તમારું સ્મરણ ક્યારેય ન ભૂલું, એવી સન્મતિ આપો. તમારું સ્મરણ કરતાં કરતાં, તમારામાં ખોવાઇ જાઉં, એથી વિશેષ બીજું કાંઇ નથી જોતું.

પરમ ભક્ત શ્રી સૂરદાસજીના શબ્દોમાં કહું તો :

``નૈનહીનકો રાહ દીખા પ્રભુ !, પગ પગ ઠોકર ખાઉં મૈં,

તેરી નગરીયાકી કઠિન ડગરીયા, ચલત ચલત ગીર જાઉં મૈં,

એક બાર પ્રભુ ! હાથ પકડ લો, એક બાર પ્રભુ ! હાથ પકડ લો...''

અજ્ઞાત

જન્માષ્ટમી

તા. ૧૬-૮-૨૦૦૬

Blogger Templates by Blog Forum